ઘડપણ

Narsinh MehtaNarsinh Mehta1 Jan 1414

2 min read · 13.3K reads

ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ - ઘડપણ. - ટેક.
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. -- ઘડપણ

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. -- ઘડપણ

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. -- ઘડપણ

પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. -- ઘડપણ

દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. -- ઘડપણ

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,
બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.-- ઘડપણ

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. -- ઘડપણ

એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ,
પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. -- ઘડપણ

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર,
ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. -- ઘડપણ

 

Narsinh Mehta
About the poet

Narsinh Mehta

Narsinh Mehta, also known as Narsi Mehta or Narsi Bhagat, was a 15th-century poet-saint of Gujarat, India, notable as a bhakta, an exponent of Vaishnava poetry. He is especially revered in Gujarati literature, where he is acclaimed as its Adi Kavi.

View profile & all 10 Poems / Stories

More Poetry & Stories You May Like