ગોરી તારાં નેપુર's image
0366

ગોરી તારાં નેપુર

ShareBookmarks

ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,
વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયું,
તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર.

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ!

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સૈયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકાય?

મારે આંગણે આંબો મહોરિયો રે,
ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે!
હું રે વેજું ને તું રે ચાખ.

મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,
બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થયું છે કોમળ ગેહેલ.

Read More! Learn More!

Sootradhar