About સિતાંશુ મહેતા
સવિશેષ પરિચય: મહેતા સિતાંશુ યશશ્વન્દ્ર (૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫ થી ૧૯૬૮ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર…
About સિતાંશુ મહેતા
સવિશેષ પરિચય:
મહેતા સિતાંશુ યશશ્વન્દ્ર (૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫ થી ૧૯૬૮ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ. ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને શૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી તૈયાર થનાર ‘ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ’ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂંક. ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩ થી એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ. ૧૯૮૭ નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
પ્રતીકો અને પ્રતિરૂપો કાર્યકારણની શૃંખલાથી છૂટ્યાં, એ સાથે ભાષાની અપૂર્વ શક્યતાનો જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિએ એમના બહુ પોતીકા કાવ્યવ્યાપાર સાથે સરરિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો. ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪) આ કવિનો અને આધુનિક ગુજરાતી કવિતાનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. અહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખોને, સ્વપ્નસૃષ્ટિને, સંમોહનને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ઇન્દ્રિયભ્રમોને અનુસરે છે. સરરિયાલિઝમના સ્પ્રિંગબોર્ડથી આ કવિ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. ‘સંસ્કૃતિ’ (ઑગસ્ટ, ૧૯૭૦)માં પ્રકાશિત ‘મોંએ-જો-દડો’ આ કવિની સર્ રિય્યલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી આધુનિક ચેતનાથી મધ્યકાલીન સામગ્રીનો વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સર્ રિય્યલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી ‘જટાયુ’ (‘સંજ્ઞા’ : જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વતાથી વ્યક્તિમત્તા સમર્પી છે. આ પછી ‘પ્રલય’ (‘સંસ્કૃતિ’ : ઑકટો.-ડિસે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિનો અવાજ અગ્રેસર છે. આ સર્વ રચનાઓ એમના મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘જટાયુ’ (૧૯૮૬)માં સંકલિત થયેલી છે.
‘સીમાંકન અને સીમોલ્લંઘન’ (૧૯૭૭)ના વિવેચનલેખોમાં સૌંદર્યમીમાંસાની શોધ છે. ‘આકાર, પ્રતીક અને અનુભવ’થી માંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતો તુલનાત્મક અભ્યાસ એક કવિચિંતકની ઉપલબ્ધિ છે. ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ (૧૯૭૯) એમનો મહાનિબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસાના વિષયમાં મૂળભૂત વિભાવોને અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દ્રષ્ટિએ રહેલા ‘આકાર’ ના સંપ્રત્યયને અને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાના સંપ્રત્યયને અહીં તાત્ત્વિક ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અપ્રકાશિત છતાં ભજવાયેલાં નાટકોમાં રેડિયોનાટક ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?- અમે અમથાલાલને ત્યાં ચાલ્યા’, ટોમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ’, પિયર શેફરકૃત ‘એકવસ’ પર આધારિત ‘તોખાર’ મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે’ અને ‘ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાટ્યકેસુડાં’ એમનું સંપાદન છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
ઓડિસ્યુસનું હલેસું (૧૯૭૪) : સિતાશું યશશ્વન્દ્રનો ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતો કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદનો માર્ગ સ્વીકારેલો હોવા છતાં આ કવિનો કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન અને એમાંથી વિશેષ રીતે થતો આ કવિનો વિચ્છેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુક્ત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહોથી મુક્ત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખનોને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમો કે ઇન્દ્રિયભ્રમોને અનુસરે છે સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. સંમોહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંયોજનની સભાનતા છે; સૌંદર્યનિષ્ઠ અભિવ્યક્તિ અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેનો સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તો સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહો અને શબ્દસાહચર્યોથી રોંજિદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દાં.ત., મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તો ‘મગનકાવ્યો’ આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓનો કાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનારો કવિ સતત પ્રજ્ઞાનો સાથ લઈને ચાલ્યો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
જટાયુ (૧૯૮૬) : સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરો’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાસિધ્યિ છે. આ દીર્ઘરચનાઓમાં અંગત વેદનાને અને અંગત વિવાદોને બૃહદ્ અન્વયો અને બૃહદ્ સંદર્ભો સાંપડ્યા છે; અને તે ભાષાનાં સ્થાપત્યોમાંથી ઊપસ્યા છે. વિદગ્ધ કલ્પનાસામગ્રી. અર્થગર્ભ પ્રતીકો અને લયાન્વિત સંકેતોને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીતજૂથ જોકે પ્રમાણમાં નબળું છે, પણ પરાવાસ્તવની અભિગ્રસ્તતાને અતિક્રમી જતો કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
રમણીયતાનો વાગ્વિકલ્પ (૧૯૭૯) : સિતાંશુ યશશ્ચન્દ્રના આ શોધનિબંધમાં જગન્નાથના ‘રમણીયતા’ના વિભાવનું તથા કાન્ટના ‘સ્વરૂપ’ના વિભાવનું તુલનાત્મક અધ્યયન ભર્તૃહરિના ભાષાદર્શનના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. ભર્તૃહરિ, ભરત, અભિનવગુપ્ત તથા શોપનહોર વગેરેના વિભાવોની તુલનાત્મક તપાસ દ્વારા તેઓ અનુભવથી કાવ્યાનુસાર વચ્ચે રહેલી પ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે. એમના મતે અનુભવ પામવાની પ્રક્રિયા મનુષ્યના અસ્તિત્વની સાથે સંકળાયેલી છે. આ પછી તેઓ અનુભવની જ્ઞાનમીમાંસા અને અસ્તિત્વમીમાંસા રજૂ કરે છે. એમાં દર્શાવ્યું છે તેમ, માનવીય અનુભવ ત્રિ-પરિમાણી છે : કાર્યશીલતા, ચૈતન્યશીલતા અને સ્વપ્નશીલતા. એમની આ ‘ભૂમિકા’ના તાત્ત્વિક સ્વરૂપને તેઓ કાન્ટ અને જગન્નાથના અનુક્રમે ‘આકાર’ અને ‘રમણીયતા’ના સંદર્ભમાં તપાસે છે; અને આ બેનાં તદ્દન ભિન્ન પરંપરાનાં ચિંતનોના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે જે ભૂમિકા પૂરી પાડી છે તે તુલનાત્મક સૌન્દર્ય મીમાંસાના ક્ષેત્રમાં એક મહત્ત્વનું અર્પણ છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
સિતાંશુ મહેતા: Quick Answers
Who is સિતાંશુ મહેતા?
સવિશેષ પરિચય: મહેતા સિતાંશુ યશશ્વન્દ્ર (૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં.
Poems & Stories by સિતાંશુ મહેતા
No poems or stories yet from this poet.
Videos on સિતાંશુ મહેતા
Loading videos…
Books by સિતાંશુ મહેતા
Loading books…








