About વિશ્વનાથ ભટ્ટ
સવિશેષ પરિચય: ભટ્ટ વિશ્વનાથ મગનલાલ (૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. ૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯-૩…
About વિશ્વનાથ ભટ્ટ
સવિશેષ પરિચય:
ભટ્ટ વિશ્વનાથ મગનલાલ (૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં. ૧૯૧૬માં મૅટ્રિક. ૧૯૨૦માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. ૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ આદિની શાળાઓમાં શિક્ષક. ૧૯૨૮-૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા. ૧૯૨૯-૩૦માં ગોંડલ ‘ભગવદ્-ગોમંડળ’ની કામગીરીમાં સામેલ. ૧૯૩૦-૩૯ દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક. ૧૯૪૪-૪૫માં અમદાવાદની એસ. એલ. યુ. કૉલેજ ફોર વિમેનમાં અને ૧૯૪૭-૪૮માં એલ. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
‘સાહિત્યસમીક્ષા’ (૧૯૩૭), ‘વિવેચનમુકુર’ (૧૯૩૯), ‘નિકષરેખા’ (૧૯૪૫), ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા’, ‘વિવેચનની પવિત્રતા’ વગેરે લેખો દ્વારા ગાંધીયુગના આ અગ્રણી વિવેચકે વિવેચનપ્રવૃત્તિનું વિશ્લેષણ કરી સાહિત્યજગતમાં તેનું મૂલ્ય સમજાવવા નોંધપાત્ર પુરુષાર્થ કર્યો છે. વિવેચકનો સાહિત્યકૃતિ સાથેનો પહેલો મુકાબલો સૌંદર્યલક્ષી હોય છે એ ખ્યાલને આગળ વિસ્તારી, વિવેચક પણ સર્જક છે એવા ખ્યાલને, એમના સમયના કે પછીના બધાએ ન સ્વીકાર્યો તોપણ અભિનિવેશપૂર્વક એમણે આગળ કર્યો. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’, ‘શીલ અને સાહિત્ય’ વગેરે એમના સિદ્ધાંતચર્ચાના લેખો છે. દલપતરામ, નર્મદ, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણીની સર્જનપ્રવૃત્તિની ચર્ચા કરતા સુદીર્ઘ લેખો તેમ જ ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘રાસતરંગિણી’, ‘નર્મદનું કાવ્યમંદિર’ ઇત્યાદિ લેખો દ્વારા અનુક્રમે ગોવર્ધનરામ, બોટાદકર, નર્મદ ઇત્યાદિના સર્જનવિશેની તપાસ કરતા લેખો એમની સર્વાશ્લેષી વિવેચનપદ્ધતિના નિદર્શક છે. પ્રસ્તાર, ઊંડાણની ઊણપ, વિચારનું ઘેરું નિરૂપણ જેવી મર્યાદા એમના વિવેચનમાં અનુભવાય છે, તો પણ સર્વગ્રાહિતા, નિર્ભીકતા અને સાહિત્યનિષ્ઠા જેવી ગુણસિદ્ધિ એમના વિવેચનનો વિશેષ છે.
‘સાહિત્યનો સ્વાધ્યાય’-પૂર્વાર્ધ (૧૯૬૩) એ હડસનના અંગ્રેજી ગ્રંથ ‘ઈન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઑવ લિટરેચર’ને આધારે રચાયેલો સાહિત્યસિદ્ધાંતોની સમજૂતી આપતો ગ્રંથ છે. ગ્રંથનો ઉત્તરાર્ધ પ્રગટ થવાનો બાકી છે. એમણે ‘વીર નર્મદ’ (૧૯૩૩) જીવનચરિત્રમાં નર્મદના જીવનવીરયોદ્ધો, ઉત્સાહી આત્મરાગી સર્જક, વિલક્ષણ વિચારક અને સુધારક ઇત્યાદિ વ્યક્તિત્વરંગોને તત્કાલીન યુગની પશ્ચાદભૂમાં ઉપસાવ્યા છે. ‘ગદ્યનવનીત’ (૧૯૨૬), ‘પારિભાષિક શબ્દકોશ’ (૧૯૩૦), ‘નર્મદનું મંદિર-પદ્યવિભાગ’ (૧૯૩૫), ‘નર્મદનું મંદિર-ગદ્યવિભાગ’ (૧૯૩૮) તથા ‘નિબંધમાલા’ (૧૯૪૦) એમનાં સંનિષ્ઠ સંપાદનગ્રંથો છે. ‘આવું કેમ સૂઝ્યું ?’ (૧૯૨૮), ‘કથાવલિ’ –ભા. ૧, ૨ (૧૯૩૨, ૧૯૩૫), ‘નવો અવતાર’ –ભા. ૧, ૨, ૩ (૧૯૩૨, ૧૯૩૩, ૧૯૩૪), ‘લગ્નસુખ’ (૧૯૩૬) ઇત્યાદિ તોલ્સ્તોયની વાર્તાઓ-નવલકથાઓના અનુવાદો છે.
એમનું ઘણું વિવેચનલખાણ અદ્યાપિ અગ્રંથસ્થ છે.
-જયંત ગાડીત
સાહિત્યસમીક્ષા (૧૯૩૭) : વિશ્વનાથ મગનલાલ ભટ્ટનો ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. પ્રમાણમાં ટૂંકા હોય, વૈવિધ્ય જળવાયું હોય અને લેખકને જે ઉત્તમ લાગ્યા હોય તેવા આ લેખોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાનો અહીં પ્રયત્ન થયો છે. પહેલો ગુચ્છ સિદ્ધાંતચર્ચાનો, બીજો ગુચ્છ નર્મદયુગીન સાહિત્યના અભ્યાસનો, તો ત્રીજો ગુચ્છ સમકાલીન સાહિત્યનાં અવલોકનોનો છે. નર્મદ, દલપતરામ, નંદશંકર, નરસિંહરાવ, બોટાદકર, બળવંતરાય ઠાકોર, હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે સાહિત્યકારો વિશે એમાં દ્યોતક સમીક્ષા છે. ‘વિવેચનનો આદર્શ’માં સત્યનિષ્ઠા, સ્વાતંત્ર્ય, તાટસ્થ્ય અને સમભાવના-એ ચાર અગત્યનાં લક્ષણો એમણે દર્શાવ્યાં છે તેનો વિનિયોગ આ ગ્રંથમાં જોઈ શકાય છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’માંની સાહિત્યવલણોની વિસ્તૃત ચર્ચા ધ્યાન ખેંચે છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા
નિકષરેખા (૧૯૪૫) : વિશ્વનાથ મ. ભટ્ટનો વિવેચનગ્રંથ. ‘વિવેચન વિચાર’ ‘ગતકાલીન સાહિત્ય’, ‘સમકાલીન સાહિત્ય’, ‘વિદેશી સાહિત્ય’, ‘ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ’ વગેરે વિવેચનનાં વિવિધ પાસાંઓને નિરૂપતા ચૌદ લેખોનો અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આ લેખકે વિવાદાસ્પદ મુદ્દો છેડયો હતો એના ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક ભોગ્ય વિવેચક’ લેખોમાં પડેલા છે. ‘સરસ્વતીચંદ્ર’ ને સમર્થ રીતે મૂલવતો ‘પંડિતયુગનું મહાકાવ્ય’ લેખ નોંધપાત્ર છે. સુદીર્ઘતાની મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સોંદર્યલક્ષિતા અનુપ્રેક્ષણીય છે.આ માહિતી મૂકવામાં આવી છે.
વિશ્વનાથ ભટ્ટ: Quick Answers
Who is વિશ્વનાથ ભટ્ટ?
સવિશેષ પરિચય: ભટ્ટ વિશ્વનાથ મગનલાલ (૨૦-૩-૧૮૯૮, ૨૭-૧૧-૧૯૬૮) : વિવેચક. જન્મ વતન ભાવનગર જિલ્લાના ઉમરાળામાં.
Poems & Stories by વિશ્વનાથ ભટ્ટ
No poems or stories yet from this poet.
Videos on વિશ્વનાથ ભટ્ટ
Loading videos…
Books by વિશ્વનાથ ભટ્ટ
Loading books…








