About રામનારાયણ વિ. પાઠક
સવિશેષ પરિચય: પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષય…
About રામનારાયણ વિ. પાઠક
સવિશેષ પરિચય:
પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’
(૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં. ઉચ્ચશિક્ષણ ભાવનગર તેમ જ મુંબઈમાં. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા. પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.વિદ્યાભ્યાસે તત્ત્વવિદ તેઓ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા, પરંતુ ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે. તેમની સાહિત્યિક કારકિર્દી ૧૯૨૨ માં ‘સાબરમતી’ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા વિવેચનલેખ ‘કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્યો’ થી અને એ જ અરસામાં ‘યુગધર્મ’ માં લખાયેલાં અવલોકનોથી સંભળાય છે. ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (૧૯૩૩), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (૧૯૩૮) ‘કાવ્યની શક્તિ’ (૧૯૩૯), ‘સાહિત્યવિમર્શ’ (૧૯૩૯), ‘આલોચના’ (૧૯૪૪), ‘નર્મદાશંકર કવિ’ (૧૯૩૬)ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ (૧૯૪૫), ‘સાહિત્યાલોક’ (૧૯૫૪), ‘નભોવિહાર’ (૧૯૬૧) અને ‘આકલન’ (૧૯૬૪) એ ગ્રંથોમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે એમનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ ‘યુગધર્મ’ને ‘પ્રસ્થાન’ ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાનો ને સંપાદનોને નિમિત્તે થયું છે. આમાંથી ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ અને ‘નભોવિહાર’ ગુજરાતી કાવ્ય સાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથો તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં ગુજરાત વિદ્યાસભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનોની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’માં એનું અનુસંધાન જોઈ શકાય. ‘કાવ્યસમુચ્ચય’-ભાગ ૨ (૧૯૨૪)ની ભૂમિકારૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો તેનાથી, વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન અને વિકાસનિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને આમ વિવેચકની સમગ્રદર્શનની વિશેષ શક્તિનો પરિચય કરાવે છે. ‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનોને સમાવતો ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’ ગ્રંથ ઇતિહાસલક્ષી દ્રષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જક અભ્યાસ તરીકે નમૂનારૂપ છે. ‘પૂર્વાલાપ’ના સંપાદન (૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેમની કવિતાના સઘન અભ્યાસ પછીનો આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનારો બન્યો છે.
‘કાવ્યની શક્તિ’ અને ‘સાહિત્યવિમર્શ’માં અન્ય લેખોની સાથે ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે. તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાર્દને પ્રગટ કરનારાં છે અને રામનારાયણનો સર્જાતા સાહિત્ય સાથેનો સહૃદય ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત એમણે કૃતિસમીક્ષાઓ પણ આપી છે. ‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની મૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. ‘શરદસમીક્ષા’ (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ એમણે લખેલી પ્રસ્વનાઓ ઈતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. ‘કાવ્યપરિશીલન’ (૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.
એમનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કશોક નવો પ્રકાશ પાડનાર હોય છે; કેમ કે એમના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા સાંપડેલી હોય છે. ‘કાવ્યની શક્તિ’ લેખમાં પોતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદનો રજૂ કરી દેતો અને અન્ય લેખોમાં વિસ્તરતો રહેલો એમનો સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊર્મિ કે વિચારનું એકાન્તિક મહત્ત્વ કરવાને સ્થાને ‘લાગણીમય વિચાર’ કે ‘રહસ્ય’ ને કેન્દ્રરૂપે સ્થાપે છે ને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધોની માર્મિક છણાવટ કરે છે. એમની વિવેચનામાં કાવ્યની વર્ણરચનાથી માંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે તથા જીવન અને ઇતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. એમણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુક્તતા સ્થાપિત કરી છે. પણ, યુરોપીય કાવ્યવિચારનોયે લાભ લેવાનું તેઓ ચૂક્યા નથી. પ્રમાણશાસ્ત્રી એવા એમનું વિવેચન તર્કની ઝીણવટ છતાં સમુચિત દ્રષ્ટાંતોના વિનિયોગથી અને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે.
એમણે ઘણાં સંપાદનોમાં પણ ઉપોદધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. ‘પૂર્વાલાપ’ની સટિપ્પણ આવૃત્તિ; ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૨), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ : ૧ (૧૯૪૬) એ ગ્રંથો; પોતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણો ધર્મ’ની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ ‘રાસ અને ગરબા’ (૧૯૫૪)માં એમના નાના યા મોટા ઉપોદઘાતો છે. નરસિંહ મહેતાને નામે ચડેલા ‘ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિતાયને વશ વર્તીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં ‘કાવ્યસમુચ્ચય’- ભા. ૧-૨ (સટીક, ૧૯૨૪) તથા ‘કાવ્યપરિચય’-ભા. ૧-૨ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદનો ગુજરાતી કવિતાના ચોક્કસ દ્રષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ અન્યોની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલનો એમણે કર્યાં છે.
મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ : ઉલ્લાસ ૧ થી ૬ નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ લેખે તથા થોડી પણ ચાવીરૂપ પરિભાષા-આદિને સ્ફુટ કરી આપતાં ટિપ્પણોને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકોની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજ્જતાને પ્રગટ કરે છે.
કાવ્યમર્મજ્ઞ તરીકે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ થી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા એમને એમની શાસ્ત્રબુદ્ધિ પિંગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો-એક ઐતિહાસિક સમાલોચના’ (૧૯૪૮) અપભ્રંશકાળથી દયારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપીને, કે. હ. ધ્રુવની ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’નો પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેશીઓને પિંગળબદ્ધ કરવાનો પ્રથમ સમર્થ પ્રયાસ થયેલો છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના આશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ‘ગુજરાતી પિંગળ : નવી દ્રષ્ટિએ’ (૧૯૫૨) ‘બૃહત્ પિંગલ’ (૧૯૫૫)ના પૂર્વાસારરૂપ છે; છતાં એમાં એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદોવિચારણા જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહત્ પિંગલ’ તો વેદકાળથી આધુનિક આધુનિક સમય સુધીના ડિંગળ, દિંડી, ગઝલ, બ્લેન્ક વર્સ વગેરે સમેત-છંદોનો ઇતિહાસ, છંદોના સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદનાં માત્રા, યતિ, આદિ ઘટકોની કેટલીક કૂટસમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતાઓ વગેરે સર્વ બાબતોને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકબાધક દલીલો સાથે ચર્ચતો એક શકવર્તી આકરગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા ‘મધ્યમ પિંગળ’ (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સંક્ષિપ્ત રજૂઆત થયેલી છે.
એમણે સર્જક તરીકે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ નાટકના ક્ષેત્રમાં વિદ્યાલયોની, તો વાર્તા-નિબંધનાં ક્ષેત્રોમાં ‘યુગધર્મ’- ‘પ્રસ્થાન’ ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમનો સ્વતઃસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’ (૧૯૩૮) નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં તોતેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહીં પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાકતન અને અદ્યતન કાવ્યપરંપરામાં પોતીકા, પ્રયોગો કરનાર ‘શેષ’ ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ ‘કાવ્યજ્ઞની કવિતા’ તરીકે ઓળખાઈ છે. ‘શેષ’ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે તે સાથે હાસ્યકટાક્ષવિનોદની રચનાઓ આપે છે, પ્રસન્નદામ્પત્યના રસિકચાતુરીના સંવાદો રચે છે તે સાથે વિરહના શાંતકરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવોક્તિ સમાં વાસ્તવચિત્રણો કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાર્દ્રતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંકિત કરે છે. ‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’ (૧૯૫૯) ‘શેષ’ની સર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.
કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દ્વિરેફની વાતો’-ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના ‘તણખા’-મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દ્રઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બને છે. બહુધા ૧૯૪૧ સુધી લખાયેલી વાર્તાઓના પછીના સંગ્રહો છે ‘દ્વિરેફની વાતો’-ભા. ૨ (૧૯૩૫) અને ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ (૧૯૪૨; સંવ.ત્રી.આ. ૧૯૬૧). પોતાની રચનાઓને ‘વાતો’ તરીકે ઓળખાવી આ વાર્તાકારે કોયડાઓ, કિસ્સાઓ, દ્રષ્ટાંતો, પરિસ્થિતિચિત્રણો આદિને સમાવી સમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને દ્રશ્યશૈલી (નાટ્યાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રયોજવાની મોકળાશ મેળવી લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમર્મો, પરિસ્થિતિનું વાસ્તવનિષ્ઠ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ ‘દ્વિરેફ’ની વાર્તાકાર તરીકેની લાક્ષણિકતાઓ છે. ‘મુકુંદરાય’, ‘ખેમી’ જેવી એમની ઘણી વાર્તાઓ પ્રભાવક બનેલી છે.
એમનું નાટ્યસર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનૂદિત નાટ્યરચનાઓ અને નાટ્યાંશોને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’ (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને આવતી ‘કુલાંગાર’ અને ‘દેવી કે રાક્ષસી?’ એ બે નોંધપાત્ર મૌલિક રચનાઓ છે, જે અગાઉ ‘દ્વિરેફની વાતો’- ભા. ૩ માં ગ્રંથસ્થ થઈ હતી. ‘પ્રસ્થાન’ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસારૂપ લખાણો વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવીને એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો ‘સ્વૈરવિહાર’-ભા. ૧ (૧૯૩૧) અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ (૧૯૩૭) થયા છે. ‘સ્વૈરવિહાર’ નામને અનુરૂપ આ લખાણોમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પરત્વે લેખકે કોઈ પણ બંધનો સ્વીકાર્યાં નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે વિષયો અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. ક્યાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણા, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિપ્રયોગો તથા લેખકની તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાને લીધે ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે.
આ સર્જક માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહોમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારસંક્રમણો થયેલાં છે, પરંતુ ‘મનોવિહાર’ (૧૯૫૬) એમની તેજસ્વી વિચારક્તાનો ગાઢ પરિચય કરાવે છે. ‘મનોવિહાર’માં અનેક વિષયો પરત્વેનો એમનો ગંભીર વિચારવિમર્શ રજૂ થયો છે. તે ઉપરાંત એમાં વ્યક્તિચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે.
પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ (૧૯૨૨), આચારધર્મનું નિરૂપણ કરતી ‘નિત્યનો આચાર’ (૧૯૪૫) અને યુરોપીય વાર્તાઓનો અનુવાદ ‘ચુંબન અને બીજી વાતો’ (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બી.આ. : ‘વામા’ નામે) એ એમના અન્ય ઉલ્લેખનીય ગ્રંથો છે. આ સિવાય ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘આનંદમીમાંસા’ પરની લેખમાળા જેવી એમણે આપેલી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે.
-રમેશ. ર. દવે
અર્વાચીન સાહિત્યના વહેણો (૧૯૩૮): રામનારાયણ વિ. પાઠકનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતો આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસનો અહીં તટસ્થપણે સર્વાશ્લેષી આલેખ આપવાનો સહૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળોની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદ્રષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં સૂક્ષ્મ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યક્તિને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહો ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દ્રષ્ટાંતોમાં કૃતિ કે કર્તાના મહત્ત્વ કરતાં વક્તવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા
કાવ્યની શક્તિ (૧૯૩૯) : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખો તેમ જ ગ્રંથાવલોકનોનો સર્વપ્રથમ સંગ્રહ. ૧૯૨૨ થી ૧૯૩૯ સુધીનાં લખાણોને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭ માંથી ૮ લેખો સંગીત, ચિત્રકલા, નૃત્ય આદિ કલાઓને અને સામાજિક ઉત્સવને લગતા છે એ લેખકની વિશાળ કલાદ્રષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલો ‘કાવ્યની શક્તિ’ એ લેખ એમની કાવ્યવિભાવનાનો સુરેખ ને સર્વાંગી આલેખ રજૂ કરતો, એમની સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતો, સંગ્રહનો સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્ફૂટ કરી અલંકાર, પદ્ય વગેરે તત્ત્વો કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડીને નિરતિશય આનંદ આપનારી બને છે તે અહીં સૂક્ષ્મ તત્ત્વપરામર્શ અને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. લેખક અહીં કાવ્યનો સત્ય, નીતિ વગેરે સાથેનો સંબંધ ચર્ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનની દ્રષ્ટિબિંદુ આપે છે એ સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે.સંગ્રહમાં વર્ણરચના તથા અલંકારરચનાના વિષયને સદ્રષ્ટાંત અને વિગતે નિરૂપતા લેખો છે એ લેખકનો રચનાપરક અભિગમ સૂચવે છે. તો, પ્રેમાનંદની ત્રણ કૃતિઓના હાસ્યરસની સમીક્ષાના લેખોમાં સંસ્કૃત રસમીમાંસાનો સુંદર વ્યવહારુ વિનિયોગ થયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન’ અમુક અંશે કર્તા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાઓને સ્ફૂટ કરતો હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. ‘મહાભારતનું નલોપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન’ એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાનાર્હ બને છે. આમ, આટલા લેખો પણ રા. વિ. પાઠક કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. ગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ નિમિત્તે થયેલાં ગ્રંથાવલોકનો સંઘરાયાં છે અને તે સર્જાતા સાહિત્ય સાથેનો લેખકનો સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યો સંબંધ પ્રગટ કરે છે. સંક્ષિપ્ત છતાં મર્મગ્રાહી એવાં આ અવલોકનોમાંનાં ઘણાં નિરીક્ષણો આજેય ટકી શકે તેવાં ને ધ્યાન ખેંચનારાં છે. ૩૬માંથી ૩૦ ગ્રંથાવલોકનો તો કાવ્યગ્રંથોનાં છે, જેમાં ‘ભણકાર-ધારા બીજી’, ‘વિશ્વશાંતિ’, ‘કાવ્યમંગલા’, ‘ગંગોત્રી’ ઇત્યાદિ કેટલાક મહત્ત્વના કાવ્યગ્રંથોનો સમાવેશ થયેલા છે.
-ચંદ્રકાન્ત શેઠ
નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા (૧૯૪૫) : રામનારાયણ વિ. પાઠકનું નર્મદ પરનું પુસ્તક. ‘નર્મદશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ એમ જુદે જુદે સમયે અપાયેલાં બે વ્યાખ્યાનો અહીં ગ્રંથસ્થ કર્યાં છે. બીજું વ્યાખ્યાન પહેલાના અનુસંધાનમાં અને એની પૂર્તિરૂપે હોવાથી વિષયની સમગ્રતા ઊભી થઈ છે. નર્મદનાં બંને પાસાંઓનું તટસ્થ અને તાકિક મૂલ્યાંકન અહીં થયું છે. ખાસ તો, આ વિવેચકે જમાનાથી આગળ જઈને નર્મદના ગદ્યની ખાસિયતોને તપાસવા અને એને વિશ્લેષવા ઊભાં કરેલાં કામચલાઉ છતાં વિરલ ઓજારો ધ્યાન ખેંચે છે. દરેક કથનનું પ્રમાણ આપવા અહીં અવતરણોનો છૂટથી ઉપયોગી કરી લેખનને શાસ્ત્રીય બનાવવાનો ઉપક્રમ પણ અભિનંદનીય છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા
બૃહત્ પિંગળ (૧૯૫૫) : રામનારાયણ વિ. પાઠકનો છંદશાસ્ત્ર પરનો શાસ્ત્રીય ગ્રંથ. પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો, લગભગ સાતસો પૃષ્ઠોમાં વિસ્તરેલો આ ગ્રંથ ગુજરાતી કવિતામાં છેક દલપતરામથી રચાવા શરૂ થયેલા છંદશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપણની દ્રષ્ટિએ સહુથી વિશેષ સર્વગ્રાહી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળો છે. ગાંધીયુગ સુધીની ગુજરાતી કવિતામાં થયેલાં છંદવિષયક બધા પ્રયોગોની શાસ્ત્રીય વિચારણા અહીં થઈ છે. કાવ્યમાં છંદનું સ્થાન, ગુજરાતી ઉચ્ચારણોના સંદર્ભમાં લઘુગુરુની ચર્ચા, અક્ષરનું સ્વરૂપ, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેમના પ્રકારો, અક્ષરમેળ છંદોનું સ્વરૂપ અને તેમનાં મેળ-મિશ્રણો, માત્રામેળ છંદો, સંખ્યામેળ છંદો, મરાઠીમાંથી આવેલા ઓવિ - અભંગ આદિ છંદો, સંખ્યામેળ છંદ, દેશી, પદ, ગઝલનું સ્વરૂપ તેમજ પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયોગો-એ સર્વની ઝીણવટભરી ચર્ચામાં પોતાના પુરોગામી પિંગળશાસ્ત્રીઓએ આપેલાં મંતવ્યોની ફેરતપાસ છે અને ઘણી જગ્યાએ પોતાનાં મૌલિક પ્રતિપાદન છે. સંધિ અને પદ્યભાર વચ્ચેનો સંબંધ તપાસી ભારતતત્ત્વને લક્ષમાં રાખ્યા વગર સંધિઓનું કરેલું પૃથથક્કરણ; માત્રામેળ છંદોના સંધિઓના તાલ અને સંગીતના તાલ વચ્ચે બતાવેલો સંબંધ; ગઝલના છંદોને માત્રામેળ છંદો જેવા આવૃત્તસંધિ છંદો બતાવવા; ઘનાક્ષરી, મનહર અને અનુષ્ટુપની સંખ્યામેળ છંદો તરીકે ગણના કરવી અને આ છંદોનું અક્ષરમેળ કરતાં માત્રામેળ છંદો સાથેનું મળતાપણું બતાવવું; માત્રામેળ છંદોમાં બ્લૅન્કવર્સ જેવો પ્રવાહી છંદ બનવાની અક્ષમતા, પૃથ્વીમાં પ્રવાહી છંદ બનવાની આંશિક ક્ષમતા અને વનવેલીમાં પ્રવાહી છંદ બનવાની વધુમાં વધુ ક્ષમતા બતાવવી – વગેરે - છંદશાસ્ત્ર વિશેનાં એમણે કરેલાં નિરીક્ષણો મૌલિક અને માર્મિક છે.-જયંત ગાડીત
શેષનાં કાવ્યો (૧૯૩૮) : રામનારાયણ વિ. પાઠક, ‘શેષ’નો કાવ્યસંગ્રહ. એમાં તોત્તેર જેટલી વિષય, સ્વરૂપ અને વૃત્તના વૈવિધ્યવાળી કૃતિઓ છે; જે ગાંધીયુગનું પ્રતિનિધિત્વ તો કરે જ છે, સાથે નિજી વિશિષ્ટતાને પણ પ્રગટ કરે છે. અભિવ્યક્તિમાં ઠાકોરશાઈ રહેવા છતાં કવિએ અહીં સૉનેટ ઉપરાંત મુક્તકો, ગીતો, ભજનો આપ્યાં છે; મધ્યકાલીન સ્વરૂપોને પણ અર્વાચીન રીતે પ્રયોજ્યાં છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી પ્રયોગમાંય લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ, પ્રકાશ અને પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ‘ડુંગરની કોરે’, ‘એક સંધ્યા’, ‘છેલ્લું દર્શન’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘એક કારમી કહાણી’, ‘રાણકદેવી’, ‘વૈશાખનો બપોર’, ‘આતમરામને’, ‘સિંધુનું આમંત્રણ’ વગેરે છે.-નરોત્તમ પલાણ
દ્વિરેફની વાતો- ભા. ૧, ૨, ૩ (૧૯૨૮, ૧૯૩૫, ૧૯૪૨) : રામનારાયણ વિ. પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લકેલી વાર્તાઓના સંગ્રહો. ધૂમકેતુની ભાવનામય અને કૌતુકરાગી વસ્તુસામગ્રી અને નિરૂપણપદ્ધતિની સામે જઈ, એની પૂરક હોય એવી સ્વસ્થ બૌદ્ધિક સંવેદનશીલ ભૂમિમાં વાર્તાને રોપવાનું કામ આ સંગ્રહોએ કર્યું છે. પ્રયોગશીલ નિરૂપણભંગીઓની અને સાર્થક પ્રવિધિઓની વિવિધતા અહીં ધ્યાન ખેંચે છે. મનોવિશ્લેષણની વિલંબનરીતિ ને એ દ્વારા જળવાઈ રહી અંતે પ્રગટતું રહસ્ય આ વાર્તાઓની વિશિષ્ટતા છે. હાસ્યના વિવિધ પ્રકારો નીચે પ્રચ્છન્ન વહેતો કરુણ કેટલીક વાર્તાઓને સ્થાયીત્વ બક્ષે છે; તો ક્યારેક અનિષ્ટ સાથેનો સ્વસ્થ સમભાવ પણ આકર્ષક રીતે વાર્તાઓને જિવાડી જાય છે. સઘન પ્રતીકાત્મકતા ધારણ કરતી ‘જમનાનું પૂર’, વાર્તા અંતર્ગત વાર્તાના કરુણગર્ભને પોષતી ‘મુકુન્દરાય’, પ્રસન્નદાંપત્યની લાક્ષણિક મુદ્રા બનાવતી ‘જક્ષણી’, વિશેષ સામાજિક પરિવેશ વચ્ચે નારીના સંકલ્પબળ સુધી પહોંચતી ‘ખેમી’, દાંપત્યવિષમતાને હળવી રીતે ભાણપદ્ધતિએ ઉઘાડતી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’- આ સંગ્રહોની જ નહિ, ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓ છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા
સ્વૈરવિહાર – ભા. ૧, ૨ (૧૯૩૧, ૧૯૩૭) : રામનારાયણ વિ. પાઠકના નિબંધોના સંગ્રહો. ‘પ્રસ્થાન’ નિમિત્તે અને સ્વૈરવિહાર અર્થે લખાયેલા આ લેખો છે. યદ્દચ્છાથી વિષયો, વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રસંગોને થતો યત્કિંચિત્ સ્પર્શ અને એ નિમિત્તે રચાતાં સાદ્દશ્યોમાંથી ઊભો થતો સ્વૈરવિહાર આ લેખોનો ઘાટ રચે છે. સપાટી પરથી મર્મ તરફ અને મર્મથી સપાટી તરફ સરકતા વિનોદ સાથે હળવાશનો એક પુટ આ લેખોમાં જોવાય છે. એમાં તરંગતુક્કા, તર્કાતર્કનાં સ્થિત્યંતરો, વ્યંગકટાક્ષ-વિડંબનાના અનેકાનેક સ્તરો અને આંતરબાહ્ય આવાગમનનાં સંક્રમણો આહલાદક છે. વિવિધ વાક્યપ્રયોગો, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, અલંકારો, અવતરણો, કહેવતોથી ઉદબોધન, ચિંતન, સંવાદ અને કથનનાં શૈલીરૂપોમાં સરતું એમનું ગદ્ય નર્મ-મર્મની અનેક સીમાઓમાં અનુનેયશીલ છે. રમતિયાળપણાથી, છટકિયાળપણાથી અને જીવંતપણાથી આ સ્વૈરવિહારોએ નિબંધના સ્વરૂપની નવી તરેહો નિપજાવી છે. ‘ખરાબ કરવાની કળા’, ‘જેલવિહાર’, ‘મુંબઈ વિશે’ જેવાં લખાણો એ હકીકતનાં સુંદર ઉદાહરણો છે.આ માહિતી મૂકવામાં આવી છે.
રામનારાયણ વિ. પાઠક: Quick Answers
Who is રામનારાયણ વિ. પાઠક?
સવિશેષ પરિચય: પાઠક રામનારાયણ વિશ્વનાથ, ‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા.
Poems & Stories by રામનારાયણ વિ. પાઠક
No poems or stories yet from this poet.
Videos on રામનારાયણ વિ. પાઠક
Loading videos…
Books by રામનારાયણ વિ. પાઠક
Loading books…








