જીવનમાં હોય દિવસ ને રાત
રાત ગુજારી નાખો.
અદબ અલગારી રાખો.
નીરવતા મનમાં, નયનોમાં કરે પિશાચી પ્યાર,
અંધકારનો પાગલ હાથી, ઘસે આર ને પાર :
જરા હુશિયારી રાખો – રાત ગુજારી નાખો.
ભલે કલેજું કૂણું, એના વજ્જર હો નિરધાર
ફાગણમાં ડોલર-કેસૂડાં, મસ્ત ચટાકેદાર :
ચટાકેદારી રાખો – રાત ગુજારી નાખો.
શિલ્પી ચાહે છે પ્રતિમાને, પણ પૂજે હથિયાર
રાત કહે જે સપનાં તેને દિન આપે આકાર
ધરમને ધારી રાખો – રાત ગુજારી નાખો.
વનની વાટે મજલ દિવસના, રણની વાટે રાત,
માલિકનો રસ્તો છે બંદા ! માલિકની જ મિરાત
સફરને જારી રાખો – રાત ગુજારી નાખો.
Read More! Learn More!