અમાવસ્યા નથી's image
0231

અમાવસ્યા નથી

ShareBookmarks

અમાવસ્યા નથી, પૂનમ નથી, રજની રૂપાળી છે,
ગુલામીને પ્રજળતી જ્યોતની આજે દિવાળી છે.

હજી એ યાદ છે જુલ્મો ને ઝિન્દાબાદ જખ્મો છે,
સિતમની સેંકડો ગોળી કલેજામાં રમાડી છે.

શહીદીની અને એ ઈન્કિલાબીની કથા વાંચો:
કથાઓ લાલ છે, એની વ્યથાઓ ક્રૂર છે, કાળી છે.

જુઓ ગાંધીની હત્યા પણ શહીદીના મુગટમાં છે,
બધી ગમખ્વાર ગાથાઓ સગી આંખે નિહાળી છે.

ઠરી જઈને પ્રગટ થાનાર દીવડાઓ શહીદો છે,
અને એ દીપમાળાએ બધી આલમ ઉજાળી છે.

નથી હીરા, નથી મોતી, નથી રાજા, નથી રાણી :
અમારા તાજમાં વનકેસરીની કેશવાળી છે.

અમારા દિલના તખ્તા પર અને દિલ્હીના તખ્તા પર
બિરાજે છે સદા ભારત, જમાનો ભાગ્યશાળી છે.

હજારો વાતમાંથી વાત એક જ યાદ રાખી લે :
કે એકએક બચ્ચો દેશના ગુલશનનો માળી છે.

કે સત્તાવન થી સુડતાલીસ – ! કતલની રાત ગાળી છે,
અને ઈતિહાસમાં આજે દિવાળીની દિવાળી છે.

Read More! Learn More!

Sootradhar