રાધાનું નામ's image
0579

રાધાનું નામ

ShareBookmarks

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વણગૂંથ્યા કેશ ને અણઆંજી આંખડી
કે ખાલી બેડાંની કરે છે વાત
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત

વળી વળી નીરખે છે કુંજગલી:પૂછે છે,કેમ અલી ક્યાં ગઈ'તી આમ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ!

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લિએ ગંધ
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ
જોકે હોઠોની પાંખડીઓ બંધ

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ!

Read More! Learn More!

Sootradhar