મધ્યાહનની's image
0284

મધ્યાહનની

ShareBookmarks

મધ્યાહનની અલસ વેળ હતી પ્રશાંત,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ,
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય કલાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક.
જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન
તેવું જ મારું સહેજે ઉર સ્પંદમાન.

ભારો ઉતારી શિરથી પથને વિસામે
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર,
આસીન કોઈ, વળી કોઈ વિષણ્ણ કામે
સૂતેલ નેત્ર મહીં મૌન હતું અપાર.
આંહીં કશો જલધિ બે ભરતીની મધ્ય
કંઠાર છોડી બનિયો નિજમાં નિમગ્ન!

કર્તવ્ય કોઈ અવશેષ મહીં રહ્યું ના
તેવું નચિંત મન મારું, ન હર્ષ શોક;
ના સ્વપ્ન કોઈ હતું નેણ મહીં વસ્યું વા
વીતેલ તેની સ્મૃતિનો પણ ડંખ કોક.
મારે ગમા-અણગમાશું હતું કશું ના,
ઘોંઘાટહીન પણ ઘાટ હતા ન સૂના.

મેં સ્હેલવા મન કરી લીધ વન્ય પંથ,
ભીનો બધો, ક્યહીંક પંકિલ, ક્યાંક છાયો
દુર્વાથી, બેઉ ગમ વાડ થકી દબાયો,
ઝિલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિરંગ,
લાગી'તી વેલ તણી નીલમવર્ણ ઝૂલ,
કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.

પાણી ભરેલ કંઈ ખેતરમાં જવારા
તેજસ્વી અંગ પર શૈશવની કુમાશે
સોહંત, ઊંચી ધરણી પર ત્યાં જ પાસે
ડૂંડે કૂંણાં હસતી બાજરી ચિત્તહારા;
ઊડે હુલાસમય ખંજન, કીર, લેલાં,
ટહૌકે કદી નીરવતા મહીં મોર ઘેલા.

ત્યાં પંક માંહી મહિષી-ધણ સુસ્ત બેઠું
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે
ને સ્વર્ણને ફૂલ શું બાવળ હોય આ તે?
મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું!
વૈશાખનો ગુલમોર ઘડી ભુલાય
ત્યાં શી વસંત રત શાલ્મલીની સ્પૃહા ય!

ઊંડાણને ગહન વ્યોમ તણાં ઝીલંત
નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ
ને શંભુનું સદન ત્યાં યુગથી અનંત
અશ્વત્થની નજીક સોહત ધ્યાનમગ્ન.
એનું કશું શિખર-શીર્ષ સલીલ-શ્યામ!
જેની લટોની મહીં જાહનવીનો વિરામ.

ખીલેલ પ્રાંગણ મહીં ફૂલ ધંતૂરાનાં,
પીળાં કરેણ પણ, ભીતર બિલ્વપુંજે
છાયેલ લિંગ જલધારથી સિક્ત, છાનાં
તેજે ત્યહીં તિમિર ઘુંમટનાં ઝળૂંબે.
ઘંટારવે યદપિ ના રણકાર કીધો,
ને તો ય રે અમલ ગુંજનનો શું પીધો!

ટેકો લઈ ઋષભ-નંદિ-ની પાસ બેસું,
કેવી હવા હલમલે મુજ પક્ષ્મ-રોમે!
હું માનસી-જલ હિમોજ્જ્વલ શ્વેત પેખું
ને ચંદ્રમૌલિ તણી કૌમુદી નીલ વ્યોમે.
કૈલાસનાં પુનિત દર્શન...ધન્ય પર્વ!
ના સ્વપ્ન, જાગૃતિ; તુરિય ન; તો ય સર્વ!

Read More! Learn More!

Sootradhar