સંભાળજે's image
0442

સંભાળજે

ShareBookmarks

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં શું જુએ છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.

સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું,
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે ?

અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

Read More! Learn More!

Sootradhar