ઉઘાડે પગે's image
0130

ઉઘાડે પગે

ShareBookmarks

ઉઘાડે પગે ને શરીરે
ખબર નહીં ક્યાંથી, કેમ,
આવી પહોંચી છું આ માયાવી વનમાં ?
શું ખાઉં, શું પીઉં, ક્યાં સૂવું મારે ?
કેળાંની ભરચક લૂમો લટકે છે.
પણ ખોલીને ખાધાં તો અંદરથી
શરમ વગરનાં સાવ કાચાં, કઠોર,
પાણીના વહેવાનો અવાજ સંભળાય
પણ પીઉં તો મરી રહેલા ઘોડાને મોઢે વળતાં
ફીણ જેવું વિકરાળ હોય એ પાણી.
સૂવા માટે ઝાડ પર ચડી તો ત્યાંયે કેટલાંક
ઈંડાંઓ પડ્યાં હતાં. બોલકણાં, લંબગોળ.
એમનાં પડ ધીમેકથી તરડાવા માંડ્યાં.
ભાગી છૂટી હું તો અબુધ માદા જેવી.
દોડતાં દોડતાં જ પડી ગઈ,
હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં.
અને પછી તો ઉપરથી કેટલીયે સૂંઢો લંબાતી દેખાઈ.
હાથીઓએ બહાર તો કાઢી પણ પછી
હંમેશ સૂંઢમાં જ લઈને ચાલતા રહ્યા.
એમની ચીંઘાડોમાં મારો અવાજ ભળી ગયો.
વનનો દાવાનળ ભરખતો રહ્યો
પોતાનાં જ વૃક્ષોને,
વનની આખીયે સૃષ્ટિને,
હાથીઓ પણ થાક્યા. બળી મર્યા.
હું હજીયે પડી છું.
એમના હાથીદાંતોના ઢગલામાં.
રૂપાળી, સજીવ,
આ માયાવી વનમાં.

 

Read More! Learn More!

Sootradhar