ગમતું મળે તો અલ્યા's image
3K

ગમતું મળે તો અલ્યા

ShareBookmarks

ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા-ખાબોચિયાંને બાંધી બેસાય, આ તો
વરસે ગગન ભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને ?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારા
રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

Read More! Learn More!

Sootradhar