સાંજના's image
0159

સાંજના

ShareBookmarks

સાંજના ઓળા લથડતા જાય.
બબડતું બોર વેચે શ્હેર આખું
શ્હેર પાંખું
પાંખ
એકેએકની ફફડ્યાં કરે છે પાંખ.
શી થરક્યાં કરે છે આંખ !
મેં પથ્થરોને ઊડતા જોયા હતા.
ને પંખીઓને બૂડતાં જોયાં હતાં.
આ નદીની રેતમાં
બળતી બપોરે
પંખીઓની દાઝતી છાયા
અરે
એના વિષાદે આંખમાં
આંસુ મને આવ્યાં હતાં.
આંખમાં આંસુ
અને એમાં સદા યૌવનતરીને હાંકતા
વર્ષો સુધી રોયા હતા.
વર્ષો સુધી જોયા હતા
મેં પથ્થરોને ઊડતા
ને પંખીઓને બૂડતાં.
પથ્થર હવે પથ્થર બન્યા છે.
પંખી હવે પંખી બન્યાં છે.

જોઉં છું મિત્રો તમોને
રેતમાં હોડી હમેશાં હાંકતા
ને કેડમાંથી વાંકતા
ને હોઠમાંથી હાંફતા
ગીતની કડી.
તેથી જ કહું છું કે હવે હું જાઉં છું.
મૌનને અંતે હવે હું ગાઉં છું.

છો બબડતું બોર વેચે છે
નગર પાંખુ
નગરની તૂટલી તિરાડ શી સડકો મહીં
હું ફક્ત કેવલ ગાઉં છું.
કાનને સંભળાય મારા
એટલું ધીમેશથી હું ગાઉ છું.
ફક્ત કેવલ ગાઉં છું.

Read More! Learn More!

Sootradhar