ડુંગર's image
0361

ડુંગર

ShareBookmarks

ડુંગર ટોચે દેવ બિરાજે, ખીણમાં ખદબદ માનવકીટ
પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ
જય જગન્નાથ, જય જગન્નાથ

અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર
ખીણમાં કણકણ કાજે મરતાં માનવજન્તુ રોજ હજાર
જય જગન્નાથ, જય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર
ખીણના ખેડું આબરૂ-ઢાંકણ આયુભર પામે એક લીર
જય જગન્નાથ, જય જગન્નાથ

ખીણના ખાતર ખેડું પૂરશે ધરતીમાં ધરબી કૃશ કાય
ડુંગર દેવા જમી પોઢશે ઘુમ્મટની ઘેરી શીળી છાંય
જય જગન્નાથ, જય જગન્નાથ

કીડીને કણ હાથીને હારો સૌને સૌનું જાય મળી
જગન્નાથ સૌને દેનારો અર્ધવાણી તો આજ ફળી
જય જગન્નાથ, જય જગન્નાથ

જગન્નાથનો જય પોકારો કીડીને કણ પણ મળી રહેશે
ડુંગરનો હાથી તો હારો દ્યો નવ દ્યો પણ લઈ લેશે
જય જગન્નાથ, જય જગન્નાથ

Read More! Learn More!

Sootradhar