વર્ષા's image
0841

વર્ષા

ShareBookmarks

ભીડેલા આભને ભેદી કો' રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.
ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.
રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !
કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !
સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?
નિર્જન ગગનના સીમાડા લોપતી, આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ સનકાર કરી, પાતી જા ચેતનાની પ્યાલી.

Read More! Learn More!

Sootradhar