પેલું દિનનું's image
0156

પેલું દિનનું

ShareBookmarks

પેલું દિનનું અજવાળું

પેલું દિનનું અજવાળું મારે સહ્યુંસહ્યું જાય,

પણ ચંદનીનું તેજ ના હુંથી ખમાય:

રે કોને કહ્યું જાય ?

સખી ! ચમકીને જાગી…. ધ્રુવ.

 

મદ માધવીનાં ફૂલડાં ગંધ છલકાય,

સખિ ! વાસંતી વાયરા રહી રહી વાય

મારે અંગે લીંપાય….સખી ! ચમકીને.

 

આ નીતરેલી ચૈત્ર કેરી ચંદનીની છાંય,

મારાં નયનોનાં નાવડાં તેજમાં તણાય,

છેક ડૂબી ડૂબી જાય…. સખી ! ચમકીને.

 

પેલી વર્ષાની ઝડિયુંનાં ઝાપટાં ઝિલાય,

પેલા વિરહની વેદનાનાં ઝાપટાં ઝિલાય,

પણ વ્હાલમનું હેત ના હુંથી ખમાય

ના જાણું શું થાય ?

સખી ! ઝબકીને જાગી…. ધ્રુવ.

જરી નજરું પડે ને, લજામણી બિડાય,

આંખ ફરકે ને અંગ, રંગરોળ મચી જાય;

મારી કંપી ઊઠે કાય,

રાગ રાગથી છવાય - સખી ! ઝબકીને.

 

સખી ! ભીનલો આ વાન, વદન નેહે ભીંજાય,

આ હૈયાનું હોડલું હળવે વ્હૈ જાય;

સૂધસાન સરી જાય

સાવ ડૂબી ડૂબી જાય…. સખી ! ઝબકીને.

આ ચંદનીનું તેજ ના કેમે સમાય,

આ વ્હાલમનું હેજ ના કેમે ખમાય,

સ્હેજે કહ્યું કહ્યું જાય;

હું ઝબકીને જાગી…

Read More! Learn More!

Sootradhar