કેટલો પ્રયત્ન's image
0382

કેટલો પ્રયત્ન

ShareBookmarks

કેટલો પ્રયત્ન કર્યો મેં -
તારી ઇચ્છા પ્રમાણેનાં બીબાંમાં ઢળી જવાનો.
તને ગમતાં કપડાં - તને ગમતી વાતો
તને ગમતાં ગીતો - તને ગમતા લોકો
અને તને ગમતી હું.
- આ બધાં વચ્ચે મારું ગમતું કશું નહીં
સિવાય તું - !
જો કે તારી સાથે હું કેટલી બધી પ્રોટેક્ટેડ...
તારા ખભા બધો ભાર ઝીલી લે એવા.
તારો શ્વાસે-શ્વાસ આધાર મારા વિશ્વાસનો.
તું મારી દીવાલ - અણનમ અને અતૂટ
અને તોયે ઘણી વાર
હું દીવાલ વચ્ચે શોધ્યા કરું બારી.
અને મથું મને ગમતા આકાશનો ટુકડો શોધવા.
એ ચોરસ આકાશના ટુકડામાં
પંખીઓ ઉડાડવાનું - ઝાડવાં ઝુલાવવાનું -
ટહુકાઓ શોધવાનું મને ગમે તો બહુ
પણ - મને ગમતું કશું નહીં.
સિવાય - તું !
તું મારો આધાર
અને
હું માછલી
દરિયામાં રહેલી તોય તરફડતી !

Read More! Learn More!

Sootradhar