દીકરીને અગ્નિદાહ આપ્યો,
ત્યારે ઇશ્વરને બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં,
એવી જ રીતે મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું ?
અને પછી જ,
મારામાં અગ્નિદાહ દેવાની તાકાત આવી.
લાગ્યું કે, ઇશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું !
દીકરીને ‘વળાવીને’ ઘરે આવ્યો,
ત્યારે પત્નીએ આંગણામાં પાણી મૂક્યું હતું,
નાહી નાખવાનું હતું હવે દીકરીના નામનું !
- દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું,
પત્નીની વારે વારે ભરાઈ આવતી આંખો -
છેલ્લા દસ દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલાં
દીકરીનાં ડ્રૅસિંગટેબલ અને તેનાં વૉર્ડરોબ
પર ફરી વળે છે,
હું પણ ત્યાં જોઉ છું.
અને એક નિઃસાસો નંખાઈ જાય છે,
ઈશ્વર... દીકરી સોંપતાં પહેલાં
મારે તારા વિશે તપાસ કરાવવાની જરૂર હતી !
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયા,
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે !
Read More! Learn More!