કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી
તારી હથેળી અહીં લાવ સાચું, હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચું
કેવી પડી છે તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખાં
પૈસા પૂછે છે? ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેરસ્વામી
છે ચક્રચિન્હો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિન્હ ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં
વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળહીરલાને
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ
ને હોય ના વાહનખોટ ડેલે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે
ડોલે સદા યે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી
જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી
મારે ય તારે કદી ના વિરોધ, રેખા વહે છે તુજ હેતધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરકે હું ખાઉં
ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ મુક્કી હારું
આથી જરા યે કહું ના વધારે, કહેતા રખે તું મુજને વિસારે
જોજે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા પછી તો નહિ હર્ષ માય
પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે