મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!'s image
0238

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

ShareBookmarks

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!
તારી વાંસલડી સુણી આજ, હૈડાં ઢળકે રે!-
મારી ગાવડિયોનાં શુદ્ધ ગોરસ મીઠડાં રે,
તારી બંસરીએ લૂંટી બુદ્ધ, પડતાં દીઠડાં રે!
ડાળે ડાળે મંજરી હાલે ઝૂલી પૂર:
બોલે બોલે બંસરી સુણતાં ડોલે મારું ઉર:
હૈડા ઢળકે રે!

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

આછી આછી ઉષાની રેલ જગમાં ધસતી રે,
મોંઘા મધુવનમાં કરે ખેલ હસતી લસતી રે:
એવી વેળ ભર્યાં મુજ એહ ગોરસ મીઠડાં રે,
તારી વાંસલડી સુણી તેહ પડતાં દીઠડાં રે!
કિલકિલ કરતી કોકિલા પળપળ દે પ્રતિસૂર:
જળથળ ઝૂમે કોડિલાં, સુણતાં ઘૂમે મારું ઉર:
હૈડાં ઢળકે રે!

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

ધીમે ધીમે પડે ધણ સંગ, રવિનાં પગલાં રે;
ફૂલે ફૂલે ફૂટે નવરંગ, ભરતા ડગલાં રે;
ચાલી લઈને હું તો ઘર બહાર ગોરસ મીઠડાં રે,
તારી બંસરીને સ્વરધાર પડતાં દીઠડાં રે!
ચારો ચરતી ગાવડી થોભે ઘડીભર દૂર:
અનહદ લોલે આવડી, સુણતાં ડોલે મારું ઉર:
હૈડાં ઢળકે રે!

મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!
ઊભો રહી શું વગાડે એમ, બંસરી ઝરતી રે!
હાવાં ધગધગતી ઝટ તેમ બળશે ધરતી રે:
હો રે ઝીલ! ઢોળાઈ જાય ગોરસ મીઠડાં રે,
મારો પાલવડો ભીંજાય, પડતાં દીઠડાં રે!
હું ગુણહીણી ગોપિકા, તું ગુણસાર શૂર:
મહીડાં મારાં ઝીલી લે, પછી આ ખીલે મારું ઉર:
હૈડાં ઢળકે રે!
મારી મટુકીમાં હો મહારાજ! મહીડાં છલકે રે!

Read More! Learn More!

Sootradhar