જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,'s image
0568

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ShareBookmarks


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ,
જ્યાં ગુર્જરના વાસ;
સૂર્યતણાં કિરણો દોડે ત્યાં
સૂર્યતણો જ પ્રકાશ:
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!


ગુર્જર વાણી, ગુર્જર લહાણી,
ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી
ગુર્જર ઉદ્યમપ્રીત:
જેને ઉર ગુજરાત હુલાતી,
તેની સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!


કૃષ્ણ, દયાનંદ, દાદા કેરી
પુણ્યવિરલ રસભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે-
કોણ જાત ને કોમ!
ગુર્જર ભરતી ઊછળે છાતી,
ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!


અણકીધાં કરવાંના કોડે,
અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્યતણા ઉર
વૈભવરાસ રચાય:
જયજય જન્મ સફળ ગુજરાતી!
જયજય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

 

Read More! Learn More!

Sootradhar