અમે ભરતભૂમિના પુત્રો!'s image
2 min read

અમે ભરતભૂમિના પુત્રો!

Ardeshar KhabardarArdeshar Khabardar
0 Bookmarks 280 Reads0 Likes


અમે ભરતભૂમિના પુત્રો!
અમ માત પુરાણ પવિત્ર,
રે જેનાં સુંદર સૂત્રો
ઝળકાવે ઉચ્ચ ચરિત્ર;
અમ અંતરને ઉદ્દેશી
કરશું હોકાર હમેશાં-
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

અંધાર વિશે અથડાતાં,
કે ફરતાં ભવ્ય પ્રકાશ,
પડતાં રડતાં રગડાતાં,
કે કરતાં હાસ્યવિલાસ:
પળપળ અમ ઉરનિધિએ શી
હા ઊછળે ઊર્મિ અશેષ!-
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

ક્યાં હશે હિમાલય જેવા?
ક્યાં પુણ્યપવિત્ર જ ગંગ?
ક્યાં મળે અલૌકિક એવા
સહુ દેશતણા બહુ રંગ?
ક્યાં મુનિ ઇશ્વરજન બેશી
કરતા પ્રભુપંથ ઉજેશ?-
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

ક્યાં રામ યુધિષ્ઠિર ઘૂમ્યા?
ક્યાં ગરજ્યા અર્જુન ભીમ?
ક્યાં રજપૂત વીર ઝઝૂમ્યા
બળ દાખવવા જ અસીમ!
રે ભૂલિયે તે શી રીતે
અમ અંતરથી લવલેશ?-
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

નથી રે જીવવું પરઆશે:
છે પારકી આશ નિરાશ:
નથી કર ધરવો કો પાસે:
સ્વાશ્રયનો છે ઉલ્લાસ,
કંઈ પુણ્યપ્રભા જ પ્રવેશી
અહિં દે અમને ઉપદેશ-
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

ધમધમ ધરણી ધુજવીશું,
અમ દેશતણાં કરી ગાન;
જયજય જયનાદ કરીશું;
દઈશું મોંઘા અમ પ્રાણ!-
એ ભક્તિ વસી ઉર, તે શી
દેજો શક્તિ પરમેશ!
અમે દેશી, દેશી, દેશી!
ઓ દિવ્ય અમારો દેશ!

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts