આભલે થાળીભર છલકાય's image
0189

આભલે થાળીભર છલકાય

ShareBookmarks

આભલે થાળીભર છલકાય
કે ઊજળી ચાંદની રે લોલ,
હૈડાં ઊજળેરાં ઉભરાય,
કે લ્યો લ્યો ચાંદની રે લોલ!

આભલે ચંબેલીના વેલા
કે ફૂલડે લચી રહ્યા રે લોલ,
ફૂલે ફૂલે કિરણના રેલા
કે જગને સીંચી રહ્યા રે લોલ.

આભલે દૂધે સીંચ્યો ખીલ્યો
કે એક બટમોગરો રે લોલ:
એની પાંખડીએ છે ઝીલ્યો
કે સુરભૂમિનો ઝરો રે લોલ!

ઝીલો ઝીલો એ અમીની ધારા
કે સુરલોકથી સરે રે લોલ!
ઊજળી આંખોના અણસારા
કે ઊજળાં હૈયાં કરે રે લોલ!

ઝીલે મોગરા ને ચંબેલી
કે ખીલવે પાંખડી રે લોલ;
ઝીલે ગુલછડી કો અલબેલી,
કે કુમુદની આંખડી રે લોલ.

ઝીલે વાદળી, સરિતા, સિંધુ,
કે હંસ ને મોરલા રે લોલ;
ઝીલી ચાંદનીપૂર્યા બિંદુ,
કે મોતીડાં ધરે કલા રે લોલ!

આવો, આવો સૌ ઝીલનારાં!
કે ઝીલતાં કાળપ જશે રે લોલ ;
ઊજળાં હાસ્ય એ વિધિનાં ન્યારાં
કે ઊજળે હૈયે વસે રે લોલ!

રસ રસ ચાંદની રે રેલાય
કે પરમ પ્રસાદની રે લોલ:
અમૃત ઊજળેરાં ઉભરાય:
કે લ્યો લ્યો ચાંદની રે લોલ!

 

Read More! Learn More!

Sootradhar