હરિ પામવા સૌ તપ કરે's image
2 min read

હરિ પામવા સૌ તપ કરે

Akha BhagatAkha Bhagat
Share0 Bookmarks 114 Reads

હરિ પામવા સૌ તપ કરે, અખો હરિમાં મેળે ફરે
મારે સમરસ શેજ સંયોગ, સાવ સ્વતંતર પામ્યો ભોગ
જેમ ભરસાગરે તીમિંગલ રમે, હું હરિમાં તો દેહ કોણ દમે.

પેરેપેરે મેં જોયું મથી, જે હરિવિના પદારથ નથી
તો આઠ વેંતનો હું જે ઘડ્યો, તે તે ક્યાં અળગો જઇ પડ્યો
એમ જોતાં હરિ લાગ્યો હાથ, ટળ્યો અખો ને એ રહી આથ્ય.

ઉમેરણ જે ઉસરણ કર્મ, હરિ મારગમાં જાણે શ્રમ
શ્યાથું લૈને શ્યામાં ભરૂં, અખંડ બ્રહ્મની ખંડણા કરૂં
અખા એ ત્યાં છે અદબદ, અહંપણાની ચૂકી હદ.

અનુભવી જ્ઞાન ત્યાં એવું કથે, કર્મ ધર્મ ભાજી કરે જથે
આતમતત્વ માંહેથી ધરે, નામરૂપ કુચા શું કરે
એમ અખા ત્યાં કીધી આથ્ય, હવે કામ શું ઝાલે હાથ.

છાંછળ માંછળની નહી વાત, એ તો રમવી વાત અઘાત
ખોવું મન ને લેવી વસ્ત, નાખ્ય નસંક લાધે નહિ અસ્ત
કે તુટે કે અડે ન આડ્ય, અખા હરિ અર્થે હડિયું કાઢ્ય.

ક્યાંથો અવસર પામ્યો વળી, મોતી વેહે પરોવા વીજળી
મરે ત્યાંહાં તો સૌ કો મરે, પણ સુરતે જે સ્વામી અર્થ કરે
અખા પામું હરિ કે ખોઉં સંસાર, સર્વ નિગમું કે પાળું બાર.

તપ તિરથ શ્યાવડે હથિયાર, પુરુષ ચીંથરાનો એ સંસાર
તે ઉપર આયુધ શ્યાં વહે, મારીશ કેને તે તું કહે
પેસ ખેતરમાં ઘાલી હામ, ભ્રમ કશો ન અખા રૂપ નામ.

 

No posts

No posts

No posts

No posts

No posts