નથી કોઈ બીજા હથિયાર! તમને ભેટવું પડશે!

દુઃખો આવીને ઊભા દ્વાર! તમને ભેટવું પડશે!


નહીં તો રૂઠશે ધબકાર! તમને ભેટવું પડશે!

હૃદયની માંગનો એક સાર! તમને ભેટવું પડશે!


​મેં એવું સાંભળ્યું છે કાપે છે લોઢું જ લોઢાને,

તમારો સ્પર્શ છે અંગાર! તમને ભેટવું પડશે!


પ્રસરતું જાય છે જાણે કે કોઈ ઝેર નસનસમાં,

જરૂરી છે હવે ઉપચાર! તમને ભેટવું પડશે!


દબાતો જાઉં છું હું નહિ કહેલા શબ્દની નીચે!

હવે તો હળવો કરવા ભાર! તમને ભેટવું પડશે!


કોઈ વિધવાની માફક બેઠી છે જે આંખના ખૂણે,

તરસનો કરવો છે ઉધ્ધાર! તમને ભેટવું પડશે!


અધૂરો જોઈને તો મોત પણ ચાલ્યું જશે પાછું,

થવું છે પૂર્ણ, તો એકવાર તમને ભેટવું પડશે!


સંદીપ પૂજારા