હું માત્ર એને જીવનની સફળતા માની શકું!
તને દીધેલા વચન જો બધા નિભાવી શકું!
જગત જીતીને સિકંદરના ચહેરા પર જે હતો,
હું તારા સ્મિતમાં સંતોષ એવો પામી શકું!
બધા જ ઈચ્છે મળે જે એ મારા જેવું બને,
છે મારી ચાહ કે હું તારા જેવો લાગી શકું!
કદાચ તું જે કહે એ બધા જ સાંભળશે,
કહે ન તું એ બધી વાતો પણ હું જાણી શકું!
તું એક વાર રિસાઈને ખાતરી કરજે,
હજારો વાર ખુશીથી તને મનાવી શકું!
'હું સાથ માંગુ છું તારો' નો અર્થ એ કરજે,
વિચાર હોય જો તારો તો સાથ આપી શકું!
સંદીપ પૂજારા

