દિવસ ને રાતમાં કેવળ આ બેજ ઘટના હો!
તમારી યાદ અને બસ તમારા સપના હો!
ગઝલમાં મારી, તમારી કોઈ ઝલક ના હો,
ખયાલ રાખું છું એવો કદી ગજબ ના હો!
સ્વીકારી લઈશ પ્રણયમાં હું સાવ નિષ્ફળ છું,
જો એક ઘડીયે તમારી મને તડપ ના હો!
હું અવગણી તો શકું દોષ આપના, તોયે,
કદી એ જોઈ શકું એટલી સમજ ના હો!
એ રીતે માંગુ છું તમને હું, તમને પામ્યા પછી!
નસીબ કોઇની સાથે અદલ બદલ ના હો!
સંદીપ પૂજારા
