દોર સમજણનો હરપળ એની સંગ હોય,
જીવનના આભે ઉડતો આનંદનો પતંગ હોય.
છે મોહક ને અવનવા રંગો ઘણા ચારે તરફ,
સોનામાં ભળે સુગંધ જો સાદગીનો રંગ હોય.
વાતા રહે વાયરા તે હરખ કેરા આમ ને આમ,
જોઈ ઉડાન આ ઉંચી દુનિયા આખી દંગ હોય.
મળે ઢીલ નવરાશમાં લાગણીઓને જરા અમથી,
મનના આંગણિયે આવનારા સમયનો ઉમંગ હોય.
સ્નેહના તરલમાં બને સંબંધોનો મજબૂત માંજો,
ફરે નહીં ફીરકી ઉન્માદની ને ના ક્યાંય જંગ હોય.
- નરેશ કુશવાહા

