મારા પ્રભુજી
મારા પ્રભુજી કરે છે રે સમયને ફરિયાદ...
આજ આવે છે મને ગોકુળની બહુ યાદ...
દ્વારકાધીશ કરે છે જોને સમયને ફરિયાદ...
મારા કાનાને આવે છે ગોકુળની બહુ યાદ...
ખવડાવે ના મને ત્યાં સુધી એ ખાય નહીં...
માતા યશોદાના સ્નેહ મીઠા ભૂલાય નહીં...
હેતભરેલી નજરો મારાથી દૂર થાય નહીં...
નંદબાબાનાં આવાં વ્હાલ વિસરાય નહીં...
નાનેરાં ડગે ચાલેલી શેરીઓ કરે છે સાદ...
આજ આવે છે મને ગોકુળની બહુ યાદ...
ભેરુઓ ભેળા મળી આંગણે રમતા અમે...
સીકેથી ચોરેલાં માખણ સંગે જમતા અમે...
કરતા તોફાન તોયે ગોપીઓને ગમતા અમે...
ધેનુ ચરાવવા રોજ વન વગડે ભમતા અમે...
કાને સંભળાય છે મને એ નંદિનીના નાદ...
આજ આવે છે મને ગોકુળની બહુ યાદ...
યમુનાના કિનારે શીતળ વેણુ વગાડતો હું....
મોહનિંદ્રામાં પોઢેલાંને પરોઢે જગાડતો હું....
વ્રજમાં તે ગોપીઓને સૌ રાસે રમાડતો હું....
રાધાને હોળીએ રે હેતના રંગ લગાડતો હું....
સંભારણાં સતાવે એની માંગું ક્યાં હું દાદ....
આજ આવે છે મને ગોકુળની બહુ યાદ....
મારા પ્રભુજી કરે છે રે સમયને ફરિયાદ...
આજ આવે છે મને ગોકુળની બહુ યાદ...
દ્વારકાધીશ કરે છે જોને સમયને ફરિયાદ...
મારા કાનાને આવે છે ગોકુળની બહુ યાદ...
- નરેશ કુશવાહા

