સફર
વાદળના એ ટીપાને ક્યાં ખબર છે કે એને ક્યાં છે પહોચવાનું ?!?
મધુવનમાં છે રમવાનું કે મરુસ્થળમાં જઈને મરવાનું;
નદીમાં પડીને સાગરને મળવા માટે દોડવાનું,
કે સરોવરમાં પડી એના જ રંગે રંગાઇ જવાનું;
નગરના રસ્તે નીકળવાનું કે ગામની ગલીઓમાં ફરવાનું,
કે પછી સરહદના સીમાડાની એ કાલ્પનિક હદરેખાને ભુસવાનું;
કામ કરવાનું છે ચકોરની તરસ છીપાવવાનુ કે
મોરની કળા સાથે એના ટહુકાને ઝિલવાનું;
લંબાવેલા મારા હાથમાં વરસી મારા અંતરમાં સ્પર્શવાનું,
કે વૃક્ષની ડાળનાં એ પાંદડાને પોતાનું સિંહાસન બનાવવાનું,
ખેતરના ચાસમાં જીવીને ખેડુતના હાસ્યનું મધુર કારણ બનવાનું,
કે આંગણે ભીંજાતા બાળકની ખુશીના હકદાર થવાનું;
વાદળના વરસતાં ટીપાને નથી ખબર એની મંજિલની,
છતાં પણ એ સફર ખેડે છે ઘરથી કબર સુધીની;
અહો આશ્ચર્યમ..! મહાસાગરના છીપનાં મોંમાં સરી પડી
એ ટીપુ ચમકી ઉઠ્યુ કીંમતી મોતી બની..!!
કોમલ જોષી
