વૈષ્ણવ જન તો તેને કહિયે
જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે
ધન ધન જનની તેની રે. ॥૧॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥
મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥
વણ લોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૨૪ દેશોના કલાકારોએ આ ગીતનું પુન:ગાન અને સર્જન કર્યું હતું.
વૈષ્ણવ જન તો, મધ્યકાલીન ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતા દ્વારા લખાયેલું એક ખુબ પ્રસિદ્ધ હિંદુ ભજન છે, આ ભજન ૧૫મી સદીમાં લખાયું હતું. આ ભજન વૈષ્ણવ ધર્મીના જીવન, વિચારો, માનસિકતા અને મૌલિકતા દર્શાવે છે. આ ભજન મહાત્મા ગાંધીની દૈનિક પ્રાથના હતી.

