શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે…. કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે…. મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું. ’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….