દોષ ન જોઇશ કેના ભૂર, તો હરિ દેખીશ બૌ ભરપૂર; મેલી આંખે ક્યમ દીસે વસ્ત, જેણે જોયાં આમિષ ને અસ્ત; અખા તો જ દીસે આતમા, જો નાવે રસના તાસમાં પુરુષાકાર પૂરણબ્રહ્મ, જેણે સમજ્યો મુળગો મર્મ; કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય, સ્વયં વિના સિદ્ધાંત ન થાય; નિજનું જ્ઞાન નિજરૂપે હોય, પાલો અખા જેમ થાયે તોય. અણલિંગી હરિજનની કળા, કર્મ ન બાંધે આઘી બલા; અહંતાપોત વિના નોહે ભાત્ય, દિવસ વિના તે શેની રાત; લૌકિક લેખું રહે લોકમાં, અખા જીત નહિ ફોકફોકમાં. હરિજન સ્વેં હરિ નહિ માનવી, જેમ સરિતામાં ભળી જાહ્નવી; તેની નિંદા કરતાં ક્રૂર, નિજ આતમથી પડશે દૂર; હરિજન સર્વાંગે હરિવડે, અખા વેલો તાણ્યો આવે થડે. પૂરણતામાં સર્વે સમાય, નદીવડે સાગર ન ભરાય; જેમ દાવાનળ બાળે સર્વ, તેમ જ્ઞાનદોષ દહે સર્વ; દેહવિકાર હરિજનને કશા, અખા જેહની મોટી દશા. રૂડું જાણી નથી રાખવા, કૂડું જાણી નથી તાગવા; તન તપાસી તુજને શોધ્ય, બાહ્ય ઉપચાર મુકી બુધ્ય બોધ્ય; તજ્યા ભજ્યા વણ તે યોગેશ, અખા જો માને ઉપદેશ. તજતાં ભજતાં નહિ પૂરવે, જૂનું તજે મન લાગે નવે; જ્યાં જેવો જીવ કાઢે વેશ, તે સાથે મન કરે પ્રવેશ; મનની રીત જે ગુંથે જાળ, કાઢ અખા આતમની ભાળ્ય. હરિ જાણેને સુવે નચંત્ય, સુલભ મારગ સમજ્યા સંત; સનકાદિકે ન ભજ્યો પ્રપંચ, જનકાદિકે ન તજ્યો રંચ; તજવું ભજવું તે સંસાર, અખા સમજતાં આવે પાર. સર્વાતીત શ્રુતિ કેતા હવા, માયારંગ બિજા નવનવા; મનને જોડ માયાશું ઘણો, કરે ઉપાય તે ભજવા તણો; વસ્તુવિષે છે મનનો અંત, તેહ અખા લે વિરલા સંત. હું નહીં તું નહીં તે ન કેવાય, જે જોતાં જોનારો જાય; ત્રણ પ્રકાર વિના જેમતેમ, તેથી હેઠો મનનો વેમ; નહીં પદાર્થ જોવા ઝાલવા, અખા સરખું છે નૈં પ્રીછવા. વસ્તુ અનુપમ છે તે માંય, તો તે કૈયેં કેમ ઉપાય; ઉપમા સર્વ છે માયા વડે, તે તો કૈવલ્ય નૈં અડે; અખા વસ્તુ ગુંગાનો ગોળ, ત્યાં ઉપમા તે માયાની ટોળ. સગુણને ઉપમા સર્વે ઘટે, જે ઉપમા ને ગુણ બંને વટે; જ્યાં થાવા ને જાવા નથી, ત્યાં વાણી શું કાઢે કથી; અખા તે વડે સર્વ જાણ, તો તેને કથી શકે ક્યમ વાણ્ય.