આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી. આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજી પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી. આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજી પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી. આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી. આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલોજી. આ સમણા કેરા કરા પડે કોઈ ઝીલોજી આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી. આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલોજી એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી. આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી. આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી પેલી ઝરણાંની વણઝાર હો કોઈ ઝીલોજી. આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલોજી