ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત; અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર; વન ભોગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધુરા ગયા; સહેજે જે થાયે તે થાય, કર્તવ્યનું બળ અખો ન ગાય. સુધું સમજી સુખિયો થા, મૂકી આપ ઇશ્વરમાં જા; ધરમ અરથ મોક્ષને કામ, એ માયા પગ મૂક્યાં ઠામ; નિસ્પૃહી તે નિરાળો રહે, અખા લાલચિયો લીધે વહે. સમજે તો અવળું છે તાન, બીજું ઇચ્છે એહજ જ્યાન; સોનામાંહે બીજું ભળે, મૂળ રૂપ તેનું જ્યમ ટળે; જેમ છે તેમ એ છે આત્મા, અખા કેની એવી છે ક્ષમા.