સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી; અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે; એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર. પડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન; જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે; મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય. અણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે; અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં; અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા. બહુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ; જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ; પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ. મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ; જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત; એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા. આત્મલક્ષમાં નહિ પર આપ, વણ સંતાને કેનો બાપ; વણ જોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા; અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય.