પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યા જાળ; શ્ર્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ; કહે અખો મર્મ સમજ્યા પખે, સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે. કવિએ શક્ય જણાવા કાજ, ગાજે જેમ રોહણીનો ગાજ; વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામો અવધ્યોથો પાછો પડે; મિથ્યા સંસાર સાચો કવિ કવે, રખે અખા તું એવું લવે. પૂજાવા મનમાં બવ કૌડ, શબ્દતણા જોડે છે જોડ; ભૂખ્યો નર બહુ તક્રજ પીયે, જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીયે; તેણે ધ્રાય નહીને વાધે રોગ, એમ અખા નોહે આતમભોગ. કવિ થૈને અધકું શું કવ્યું, જોતા નહિ બ્રહ્મ અણચવ્યું; રાગદ્વેષની પુંજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી; તેમાં અખા શું પામે લાભ, વાયે ગયો જેમ સ્ત્રીનો ગાભ. કહે અખો હું ઘણુંએ રટ્યો, હરિને કાજે મન આવટ્યો; ઘણાં કૃત્ય કર્યાં મેં બાહ્ય, તોયે ન ભાગી મનની દાઝ; દરશન વેશ જોઇ બૌ રયો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો. ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ; મન ન મનાવી સદ્‌ગુરુ થયો, પણ વિચાર નગરાનો રયો; વિચાર કહે પામ્યો શું અખા, જન્મજન્મનો ક્યાં છે સખા. બહુ કાળ હું રોતો રયો, આવી અચાનક હરિ પ્રગટ થયો; ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદે ઉથાપ; અખે ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મુજ વાણ. પરાત્પરબ્રહ્મ પરગટ થયા, ગુણદોષો તે દિનના ગયા; અચ્યુત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચાવે અખો અજાણ; જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.