ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવ તણાં, એથી પાતળીયો અમને લાડ લડાવે. મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢતડકા વેઠ્યાં તનમાં, ત્યારે મોહને મ્હેર આણિ મનમાં, ઓ વ્રજનારી! હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેધઝડી શરીરે સહેતી, સુખદુઃખ કાંઇ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી! મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા, તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી! ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધિ, દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી! માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ, મારા ભેદગુણ દીસે ભારી! ઓ વ્રજનારી!