તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ; કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ; પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી; બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર. પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી; સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે; સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય; ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન. જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય; કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો; મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ. ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી; તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ; માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય. અનુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે; ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ; અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ. આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય; ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર; અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ; અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા; ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી. જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો; અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી; સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે. ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે; ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા; અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા. જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે; પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ; નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ; ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ; તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે. જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ; એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો; ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર. કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ; શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ; નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે; અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા; તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા. દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર; ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો; અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. સસાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું; વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા; જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા. જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ; કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે; અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા; અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ. જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ; અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે; વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ. આત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ; વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા; અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી; બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ; થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે. અણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ; અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી; પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો. પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ; અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ; સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ. પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ; પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના; કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ. ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ; મૂળ સ્વરૂપે જે કોઇ થયો, તેને ભણ્યાનો સ્વભાવ ગયો; અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્‌ચિત્‌આનંદ વદે વેદાંત. વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી; વેદાંત વાયક મોટો ભેદ, આસુરીનો કર્યો ઉચ્છેદ; દૈવી તો છે ધણીનું રૂપ, અખા આસુરી ઉંડો કૂપ. આસુરી દૈવીને ગડબડ થઈ, દીસે દૈવી તેમાં આસુરી રહી; માટે જ્ઞાની ટળતા ફરે, જેમ રૂડે ઘેર જાતાં શ્વાનથી ડરે; અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય. ઘર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં; સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ, વણટેવે જેમ વણસે રંગ; અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ. નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે; સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતનો લેશ જ જાય; આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ; કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું; ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર; વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે; જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર. ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ; સાચી વાતને સંતજ વદે, તેને મૂરખ ઉલટો નંદે; અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર. જગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે; સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ; એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે. વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે; ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ; અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા. ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ; તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો; વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક; ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી; તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ. સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ; શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર; આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે; એમ હારને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા; અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર. અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો; કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી; શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ; બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય; જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા. સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ; સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા; શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય. મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ; મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી; સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ. જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ; ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે, દામચામનાં જતનજ કરે; અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત. હરિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે; પાણો કે હું પર્વત લહું, એ આશ્ચર્ય તે કેને કહું; અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી. જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા; નીર હતું તે કીચમાં ગયું, આત્મથકી તે અળગું રહ્યું; છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ. અનંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા; વેદ બ્રહ્માએ પૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી; ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ. વષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે; રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય; કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર. જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન; સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય; જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે. કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો; નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય; હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર. જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર; અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા; કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ. અખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ; જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય; પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ. તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે; તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય; અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય. લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા; અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા; અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાય. જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું; તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો; અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ કથીશમાં વળી. અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ; જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય; રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ. અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો; ગવરાવ્યા જશ હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ; અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છેટા રહ્યા. છતો ધણી તું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ; છતો ધણી છે વાણીરહિત, છતો ધણી છે શબ્દાતીત; એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનું કારજ સર્યું. સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મૂકી દે; અટળ વસ્તુને અહોનિશ ધાય, ટળને બાંધણે બાંધ્યો ન જાય; ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત. જાણી વસ્તુ ને ઉપનો વૈરાગ્ય, અણછતું આવ્રણ ન પામે લાગ; ઓળખ્યા ચોર ને સાવચેત થયા, વળતા તે તો કૂશળ રહ્યા; અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ. આનંદ વધાઇ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય; અનેક જુગનું આવ્રણ જેહ, જ્ઞાનવજ્રથી ભાંગે તેહ; ધન ધન જ્ઞાનીજનનું ગાત્ર, જગત જાણ્યું જેણે તૃણમાત્ર.