ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું: જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો! લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય. ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો; જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો ! કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે : ‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’ ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!