જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા; વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય; કહે અખો નર વંઠ્યા સરે, નરનારીની નિંદા કરે. બ્રહ્મ કર્મ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધછેધા કુકટને કષ્ટ; સંપ્રદાય શુદ્ધ ન આવ્યું જ્ઞાન, મનમાં તે જ્ઞાનીનું માન; કહે અખો નર મુક્તા ફરે, નગર છુટી ધેનુ ઓખર કરે. દોષ દૃષ્ટિ દુર્મતિ નવ ટળી, તો શું સાધ્યું કથા સાંભળી; ગુરુવચન પાળે તે સંત, ઘાટ ઘણેરા કાઢે દંત; કહે અખો હરિની નહિ મયા, સાંભળીને સામા શઠ થયા. એક સુકું જ્ઞાન કથે દામણા, તે હરિ ફળ પામે વામણા; પાપ પુન્યના ભેદ અમો લહ્યા, જે હતું તે સમજી રહ્યા; કહે આપે મુકે વાધે માન, અખા એહ તે સુકું જ્ઞાન. સુકું જ્ઞાન ને વ્યંડળ મૂછ, કરપી ધન કુતરાંનું પૂછ; એ ચારેથી અર્થ ન થાય, સામું એબ ઉઘાડે કાય; અખા અમલવિન હાકમ જસે, કથ્યું જ્ઞાન પણ હરિ નવ વસે. જ્ઞાનીનાં નોય ટોળાં ટોળ, મુક્તા નોય સર્વ ગજકપોલ; શબ્દવેધિ જોધા કોય તંત, શંખ સકળ નોય દક્ષણાવંત(જમણેરી શંખ); બહુમાં નિપજે કો એક જન, બાકી અખા રમાડે મન.