જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી? સોડ રે તાણીને મનવા! સૂવા જ્યાં જાશો ત્યાં તો- શ્વાસને સેજારે જાશે ઊડી. મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી ! બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવાંમાં- તરસ્યાં હાંફે રે દોડી દોડી; મનનાં મરગલાંને પાછાં રે વાળો વીરા! સાચાં સરવરિયે દ્યોને જોડી. મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી ! સાચાં દેખાવ તે તો કાચાં મનવાજી મારા! જૂઠાં રે જાગર્તિનાં મોતી; સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરાજી ! ચૂની ચૂની લેજો એને તોડી. મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી ! એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા ! થીર રે દીવાની જેવી જ્યોતિ; ઉઘાડી આંખે વીરા! એવાંજી ઊંઘવાં કે- કોઈ નોં શકે રે સુરતા તોડી. મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી !