હરિ, જેવો તેવો હું દાસ તમારો કરુણાસિંધુ ગ્રહો કર મારો.. સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી, શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી.. નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ, શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ.. અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી, અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી.. વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો, સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો.. વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો, આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો.. સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી, શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી..