જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત; જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ; અખા મોહ્યો પંથે ભમ્યો, વાદ કરતાં આયુ નિર્ગમ્યો. વેશતણું રાખે અભિમાન, સામું તેણે થાએ જાન; સંસારી મળ ધોવા કાજ, સાબુ મેલને દીધે વાજ; અખા મેલ જો નવ નીકળે, તો મેલું તે કયી પેરે ટળે. નિવૃત્ય પ્રવૃત્ય સમણાંનું ધન, ઉંઘ્યો નર તેનું કરે જતન; જાગ્યે રૂડું કુડું ટળે, જ્ઞાની તે જે પાછો વળે; અખા પ્રપંચ નહિ પરમાણ, ઠાલો શું થઇ બેસે જાણ. તપતીરથ દેહ દમવાકાજ, જાણી ઉન્મત્ત આવે વાજ; ફળ સંભળાવી કીધું ખરૂં, પણ હરિ મળવાનું કારણ પરહર્યું; અખા એ સર્વ મનનો તોર, કોડી વટાવે નાવે મ્હોર. હરિ જાણી જે તે હરિવડે, મન જનથી જે અળગે પડે; બીજાં કર્મ મનથી નીપજે, મન સુધે જે તેને ભજે; અખા તે માટે રૈ ચેત, જ્યાં રહીને નિગમ કહે નેત. અખા તેજ નર ચેત્યો ખરો, જે ચાલ્યો માથે ઉફરો; ઊંઠ હાથમાં સૌ કો રમે, જાગ જોગ એટલામાં ભમે; મુક્તિ ચતુર્ધા એટલા લગે, પણ પદ રહી જોતાં પડશે વગે. અણલિંગી મોટો ઉપદેશ, જે ઇચ્છે અજ વિષ્ણુ મહેશ; લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જક્ત સંબંધી કથા; અખા એ ત્યાંહાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ નોહે સમાસ. ભક્તિ કરતાં ભરમે બૌ, પણ ભજનભેદ ન જાણે સૌ; જ્યાં શુચિ અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરણ રહ્યો રામ; ત્યાં તો કરતા દીસે ઘાત, તો એમ અખા કેમ ધાતે વાત. પેલે ઓળખ્ય હરિ પછે ભજે, કાં વોરે જોયા વિના વજે; ચૈતન્યબ્રહ્મ કહે વેદ વાણ્ય, તું તો માને પીતળ પાણ; આતમની અવગણના કરે, અખા ભક્તિ કેમ પડશે વરે. જ્ઞાનવિના ભક્તિ તે અશી, ભસ્તે શ્વાને જેમ ઉઠે નશી; લારે લાર જેમ ચાલ્યે સોર, ત્યાં કોણે દીઠો તો ચોર; જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળણે વળ્યું. જેવી શાસ્ત્ર સંત વાણી વદે, તેવું નરને આવે હ્રદે; હું મમતા દેહ જો ઓળખાય, સર્વાવાસ હરિ ત્યારે જણાય; સચરાચર જાણ્યા વિણ હરિ, અખા દ્રોહબુદ્ધી જ્યાં ત્યાં કરી. જ્ઞાનવિના ભક્તિ નવ થાય, જેમ ચક્ષુહીણો જ્યાં ત્યાં અથડાય; તે માટે જ્ઞાની ગુરુ કરો, હરિ દેખાડે સભરો ભર્યો; ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ. જોતાં વિચારી સ્વે નિજધામ, ઉપાધ્ય આવવાનો તું ઠામ; આવી અચાનક ઉઠી બલા, સુખી દુઃખી નર ભુંડા ભલા; પંડિત જાણ થાપે જીવ કર્મ, અખે માયાનો પ્રીછ્યો મર્મ. નિજ શક્તિયે કર્યું આકાશ, તત્વે તત્વ હવો પરકાશ; અંશે અંશ ભૂતિક પિંડ થયા, સત્તાબળ વડે ચાલી ગયા; જેમ ખડક્યાં પાત્ર અગ્નિથી ઉષ્ણ, એમ અખા બળ વ્યાપ્યું વિષ્ણુ. પાત્ર માત્રમાં હોય વરાળ, પિંડ શાથે હોય મનની જાળ; મનને જોઇએ સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય; વિષયને મન તે આ સંસાર, અખે એવી વિધ્યે કાઢ્યો પાર. મુજ જોતાં એ મન સુખી દુઃખી, પણ મનાતીત ન શકે પારખી; મનના માર્યા જાએ એહ, એમ સમજણ નહિ સમજે તેહ; ચૌદ લોકરૂપે મન થયું, અખા મનાતીત જેમનું તેમ રહ્યું.