ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે ! સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે; સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે ! નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે; માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે ! તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ? ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે કૃષ્ણને કરવું હોય તે કરે ! દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે; જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે કૃષ્ણને કરવું હોય તે કરે ! થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે; જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે કૃષ્ણને કરવું હોય તે કરે ! જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે; એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે કૃષ્ણને કરવું હોય તે કરે ! તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે; આપ તણું અજ્ઞાનપણુ એ, મૂળ વિચારે ખરે કૃષ્ણને કરવું હોય તે કરે ! થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે; રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ? કૃષ્ણને કરવું હોય તે કરે !