ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું; બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર. સંસ્કૃત પ્રાકૃત જેવડે ભણે, જેમ કાષ્ટવેષે રહ્યો ભાથા કણે; તે છોડ્યાં બાણો નાવે અર્થ, તેમ પ્રાકૃતવિના સંસ્કૃત તે વ્યર્થ; બધા દામ વેપારી લખે, અખા વ્યાજ નોય છુટા પખે. હરખે કરખે અનુભવ કશા, આકાશ ઉદરમાં વરતે દશે દિશા; જ્યારે જેનું રાજજ જાણ, ત્યારે માનવી તેની આણ; જ્ઞાનગગનમાં નોહે દેશકાળ, એતો અખા અજાણ્યા બોલે આળ. જ્ઞાનાધિક નોય સિદ્ધિવડે, સિદ્ધિનામ શણગારે પડે; એક મની કહાવે સાધવી, તેમ સેજ ન ઇચ્છે સિધિ વાધવી; અખા અણલિંગી નાવે સંસાર, એતો ફોકટ માયા ઉડાવે વાર. અષ્ટમહાસિદ્ધિ ઇશ્વરને વિષે, તેને વેદ માયા કરી લખે; તેની કણ્યકા તે આ જીવ, તો સિદ્ધિસહિત કેમ થાએ શિવ; લોકપતિ જે તે સિધ્યવડે, અખા અનુભવને કાંઇ ન અડે. મુળગો અહંરોગ નહિ ટળ્યો, તેમાં સિદ્ધિરૂપી ભરમજ ભળ્યો; જેમ પેલો ઘેલો હોય બુધ્યવિષે, વળી વ્યસને લાગ્યો માદકભખે; અખા અહંકારને ટાળી જોય, તું ન રહે તો સિદ્ધિસાથે સિદ મ્હોય. પોત ન લહ્યું પછે પોતે થયા, ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા; માયાકૃતનો નાવે અંત, માને નહિ તો જો વેદાંત; અખા ઉપનું ન માને આધ, ક્રયવિક્રય વિના શી વ્રાધ્ય. પ્રપંચ પ્રીછી જોયો ખરો, નહિ ઉપજ ને નહિ તો વરો; જ્યાથું ઉપનું ત્યાં નવ ઘટે, શઢ વળે જ્યાં જઇ આવટે; જાતું મરતું દીસે ખરૂં, અંતે અખા ભર્યાનું ભર્યું. જેમ દુધે ફીણ ફિસોટા થાય, તોલ ન વધે આકાશ રૂંધાય; જેમ અગ્નિયોગે જળ ઉભરે, તેમ તત્વે તત્વ જગત અવતરે; વકર્યા તત્વ ધરે રૂપ નામ, અખા ઉત્પત લે ઠામનું ઠામ. પંચતણાં પચવિશે તત્વ, વાસનાલિંગ તે તેનું સત્વ; ભૂત ભૂત પ્રત્યે વિચરે, અને મૃત્યુ નામ પરપોટો મરે; ભૂતકલ્લોલ સદા સર્વદા, ચિદ્વિલાસ અખા મન મુદા. ચલનવલન તે ચેતનતણી, પંચરૂપે આપે થયો ધણી; આપ આપમાંહી વિસ્તર્યું, ન કર્યા સરખું તે ત્યાં કર્યું; જેમ છે તેમનું તેમ છે જાણ, સમજે સાન અખા નિર્વાણ.