આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે; અખા હરિ જાણે જડ જાય, નૈં તો મનસા વાચા પેશીરે કાય. ઇશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર; મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્નમાંની રાખ; સોનામખી સોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણું વાય. પોતાનાં પડખાં નવ જુવે, હાડ ચામડા મુરખ ધુવે; શુદ્ધ કેમ થાય જો ચામડું, મોટું માંહે એ વાંકડું; હરી જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે ક્યમે.