તારી હથેળી એટલે ટહુકો છે મોરનો,

મારી હથેળી છાંયડો સૂની બપોરનો.


તારી હથેળી ઓસ છે ફૂલોના હોઠનું,

મારી હથેળી વાયરો છેલ્લા પહોરનો.


તારી હથેળી મૌન છે લીલા ઉજાસનું,

મારી હથેળી એટલે પગરવ છે ચોરનો.


તારી હથેળી એટલે બિંબાતી લાગણી,

મારી હથેળી આયનો યાદોની કોરનો.


તારી હથેળી ઊગતી મેંદીની પાંદડી,

મારી હથેળી એટલે કાંટો છે થોરનો.


તારી હથેળી જુલ્ફ છે ભીની સવારની,

મારી હથેળી દાંતિયો ખૂલતી બપોરનો.


- કૈલાસ પંડિત