(1)
ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.
હરજીવન દાફડા
(2)
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.
દિલેરબાબુ
(3)
માણસોએ વૃક્ષની હત્યા કરી છે
એટલે તો વાદળે વાંધો ઉઠાવ્યો.
ભાવિન ગોપાણી
(4)
કવિ બનું કે સાધુ ઈશ્વર?
સૌ સરવાળે જાપ જપે છે!
'જયુ' સોલંકી
(5)
ક્યાંક ના છૂટકે દુઆ માંગી લઉં
હું ખુદાને રોજ વાપરતો નથી..
ખલીલ ધનતેજવી
(6)
તેનાથી વધારે મારી શ્રદ્ધાનો પુરાવો શું આપું ?
ઈશ્વર માંગું છું તને તારા પાસેથી માંગ્યા વગર
પિનાક મોઢા
(7)
માત્ર ભેટ્યાં હોત તો ના થાત બહુ ઊંડી અસર,
આ ખભા પર રોઈને, માયા લગાડી કોઈએ.
ભાવિન ગોપાણી
(8)
આંગળીના ટેરવે નમણાશ તારી હજુ રમે છે
ને કબુલું છું નિખાલસતાથી.. તું મુજ ને ગમે છે
ઉદયન ગોહિલ
(9)
અડધો ગુનો છે એ કે ચાહું છું હું તને,
ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય
રમેશ પારેખ
(10)
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
અનિલ ચાવડા
(11)
સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
ગૌરાંગ ઠાકર
