મૃત્યુ કદી મારતું નથી ...
# કૌશિક મહેતા
મૃત્યુ કેવું હશે?
એકવાર હાર્ટ એટેક આવેલો
ત્યારે થોડો ભાસ થયેલો
પણ ડોક્ટરોએ બચાવી લીધો
એટલે બહુ સમજાયું નહિ
મૃત્યુ....
મૃત્યુ શું ઇરફાન ખાનને
આવ્યું એવું હશે?
એ શું તમને તમારા
ગંતવ્ય સ્થાન પહેલા
ઉતારી દેનારું હશે?
મૃત્યુ શું ઋષિ કપૂરને
આવ્યું એવું છેલ્લે
સુધી હસમુખ બનાવી રાખે
એવું હશે?
કે પછી...
તમે રાહ જોતા રહો અને
આવે જ નહિ
એવા બેવફા પ્રેમી
જેવું હશે?
મૃત્યુ શું મહાભારતમાં
આવતી બ્રહ્માના સર્જનની વાત
જેવું અંધ અને
બધિર હશે?
મૃત્યુ શું જીવનનો
મલાજો પાળે એવું
વિવેકી હશે? કે પછી
હોઠે આવેલો પ્યાલો
છીનવી લઈ તરસ
અતૃપ્ત રહે એવું હશે?
મૃત્યુ શું ઈસુના
વધુ સ્તંભ જેવું ક્રૂર
હોય છે? કે પછી
નાટકનો અંક પૂરો થાય
ને પડી જતા
પડદા જેવું હશે?
મૃત્યુ શું ગોડસેની
ગોળી જેવું નિશાનેબાજ
હશે? કે પછી એને
વળગી પડાય એવું
પ્રિયતમના આગોશ જેવું હોટ
કે માના ખોળા જેવું હૂંફાળું હશે?
મૃત્યુ કેવા પગલે આવતું હશે?
બિલ્લી પગે કે તબડક તબડક
કરતુ ઘોડે ચડી?
એનો અવાજ કાન ફાડું
હશે કે પછી
હશે પંખીઓનો કલશોર?
મૃત્યુની શું કેટેગરી હશે?
ગરીબ માટે ક્રૂર ને
ધનવાન માટે કંફોર્ટબલ
એમ હિન્દુ મુસ્લિમના
ભેદ કરે એવું હશે?
મૃત્યુ ય ક્યાં કોઈને સમજમાં
આવ્યું છે?
એ ય કોરોના વાઈરસની
જેમ વણ ઉકેલ કોયડા
જેવું છે ...
કદાચ એટલે જ
મૃત્યુ કોઈને ગમતું નથી
વણ નોતર્યા મહેમાનની
જેમ આવે છે
સમડીની જેમ શિકાર
કરી ઉડી જાય છે.
ગાવું તો છે
મૃત્યુ મરી ગયું રે લોલ
પણ
મૃત્યુ જ એક એવું છે
જે સાલું કદી મરતું નથી

